પપ્પા ના પાડશે તો હું શું કરીશ! ભલેને ગમે તે થાય, પણ હું પ્રેયસનો સાથ ક્યારેય નહીં છોડું. પ્રત્યુષાને રોજ રાત્રે અંગત ડાયરી લખવાની ટેવ હતી. અઢાર વર્ષની કોલેજકન્યાની દિનચર્યામાં એવી તે કેવી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ઘટનાઓ બનતી હોય! એટલે પ્રત્યુષાની રોજનીશીનાં પાનાઓમાં આવું-આવું વાચવા મળી શકે- ‘આજે પિનલ નવો ડ્રેસ પહેરીને કોલેજમાં આવી હતી. એને એના પપ્પાના પૈસાનું બહુ અભિમાન છે. ડ્રેસ સુંદર હતો. કલાસની બધી છોકરીઓએ એનાં વખાણ કર્યા, પણ મેં તો એની સામે જોયું જ નહીં. પૈસાદાર હોય તો એના ઘરની! મારે કેટલા ટકા? શું જગત આવા અભિમાની લોકોથી ભરેલું હશે?’ ક્યારેક કેન્ટીનમાં ચા સાથે સમોસા ખાધા એની વાત હોય, પણ આજે પહેલીવાર કંઇક અનોખી ઘટના બની ગઇ. અઢારમા વરસના ઉંબર પર ઊભેલી આ રૂપયૌવનાને આજે એક કોલેજિયન યુવાને પ્રથમ વાર એ વાતનો અણસાર આપ્યો કે પ્રત્યુષા બીજી છોકરીઓ કરતાં અધિક સુંદર છે. ‘એક્સકયુઝ મી, પ્રત્યુષા!’ એની બાજુના કલાસમાં ભણતા એક યુવાને એને સાવ અચાનક આ રીતે રોકીને વાત કરવાની અનુમતિ માગી. કોલેજ ચાલુ થવાને હજુ થોડીક વાર હતી. છોકરા-છોકરીઓની અવર-જવર ચાલુ હતી. જગ્યા પણ એકાંતવાળી ...