અંધારી રાતની નીરવ શાંતિમાં તળાવના કિનારે રહેતા એક વૃદ્ધે એક યુવાનને  ઝડપથી તળાવ તરફ જતો જોયો. વૃદ્ધને ખ્યાલ આવી ગયો કે યુવાન મધરાતના આવા સમયે  કોઈ જુવે, બચાવે  એ પહેલા આત્મહત્યા કરવા ઈચ્છતો હતો.   ઝડપભેર તળાવ તરફ જતા યુવાનને વૃદ્ધે બુમ પાડીને કહ્યું, "હે યુવાન ! થોડીવાર માટે થંભી જા. મારે તારું કામ છે."    યુવાન થંભી ગયો. વૃદ્ધે નજીક આવીને પૂછ્યું,  " ભાઈ, હું તારા ઈરાદામાં  કોઈ અવરોધ ઉભો કરવા નથી માંગતો. મારેતો બસ એટલુજ જાણવું છે કે એવું તે શું  બની ગયું છે કે તું જીવનનો અંત આણવા માંગે છે? "   યુવાન કહે: " હું પરીક્ષામાં નાપાસ થયો છું. જીવન અકારું લાગે છે. ક્યાય ચેન પડતું નથી. પરિસ્થિતિથી તંગ આવી ગયો છું. "  વૃદ્ધે સહાનુભુતિ દાખવતા કહ્યું: " તારી વાત તો સાચી છે. આવું જીવનતો ઝેર જેવું લાગે, ખરું ને? "   યુવાન કહે : "હા, એટલેજ આત્મહત્યા કરવા નીકળ્યો છું. બધી ઝંઝટમાંથી છુટકારો થઇ જાય. પાસ-નાપાસનો સવાલેય નહિ જાગે."    વૃદ્ધ કહે : " પણ તે એ વિચાર્યું કે આત્મહત્યાથી  કઈ બધા દુખોનો અંત નથી  આવી જતો. આત્મહત્યા પછી ફરી તારો જન્મ થશે,...